Wednesday, January 27, 2010

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે
વિપત્તિ પડે તોય વણસે નહીં
સોઈ હરિજનનાં પ્રમાણ રે

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ પાનબાઈ
ને કોઈની નહિ કરે આશ રે
દાન દેવે પણ રહે અજાસી
રાખે વચનમાં વિશ્વાસ રે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે

હરખ ને શોકની આવે નહી હેડકી પાનબાઈ
આઠ પહોર રહે આનંદી રે
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદ રે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં રે પાનબાઈ
તે નામ નિજારી નર ને નાર રે
એકાંતે બેસીને આરાધના માંડે તો
અલખ પધારે એને દ્વાર રે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે

સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુર રે
ગંગા સતી એમ બોલિયાં
જેને નેણ તે વરસે ઝાઝાં નૂર  રે

મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે રે પાનબાઈ
ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ રે

                               --ગંગાસતી

No comments: