વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ
નહિતર અચાનક અંઘારા થાશે
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ
એકવીસ હજાર છસોને કાળ ખાશે
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ
નહિતર અચાનક અંઘારા થાશે
ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ
આ તો અધૂરિયાને નો કે’વાય
આ ગુપત રસનો ખેલ છે અટપટો
આંટી મેલો તો પૂરણ સમજાય
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ
નહિતર અચાનક અંઘારા થાશે
ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ
જાણી લિયો જીવની જાત
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને
બીબે પાડી દઉં બીજી ભાત
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ
નહિતર અચાનક અંઘારા થાશે
ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ
તેનો દેખાડું હું તમને દેશ
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં નહિ માયાનો જરીયે લેશ
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ
નહિતર અચાનક અંઘારા થાશે
-ગંગાસતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment